ડભોઇ તાલુકાના કાયાવરોહણ-મેનપુરા-પોર રોડ પર પેટ્રોલ પંપ પાસે બ્લેક કલરની હ્યુન્ડાઈ વર્ના કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક યુવતીનું મોત થયું હતુ. જ્યારે યુવાનને ગંભીર ઇજા થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા નજીક આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં બે વ્યક્તિ સવાર એક યુવતી અને એક યુવક પૈકી 25 વર્ષીય યુવતી કિંજલ રાજુભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે યુવક સ્મિત પાટણવાડીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાયાવરોહણ પોલીસને જાણ કરાતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતીની ઓળખ કિંજલ રાજુભાઈ પટેલ (ઉં.આ.25, રહે. તેરસા, તાલુકો શિનોર) તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકની ઓળખ સ્મિત પાટણવાડીયા (ઉં.આ.26, રહે. ટિમ્બવા, તાલુકો શિનોર) તરીકે થઈ છે. બનાવ અંગે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવવાનું ચોક્કસ કારણ સહિત અકસ્માતના સંજોગો અંગે વધુ પોલીસ તપાસ હાથ ધરી છે.
