13
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડભોઇના નાંદોદી ભાગોળ નજીક ગંદકીને લઈને સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ્ જતા મુખ્ય માર્ગ પર સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ, કપુરાઈથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ સફાઈ અને જાળવણીની કામગીરી માટે લકી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ સોંપાયો છે. જેના પગલે માર્ગની બંને બાજુ સફાઈ કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત રસ્તાની આસપાસ પડેલો કચરો, ધૂળ તેમજ નકામું ઘાસ દૂર કરાઇ રહ્યું છે. માર્ગની બંને બાજુ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ અને જાળવણી પર ભાર મૂકાઇ રહ્યો છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ્ જતો આ મહત્વનો માર્ગ પ્રવાસન તેમજ વહીવટી દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસી ઉપરાંત વીવીઆઈપી સહિત હજારો વાહનોની અવરજવર રહે છે. ત્યારે માર્ગની બંને બાજુ નિયમિત સફાઈ અને યોગ્ય જાળવણી થાય તો માર્ગ વધુ સ્વચ્છ અને સુઘડ દેખાવાની સાથે અહીંથી પસાર થતા પ્રવાસીઓને પણ વધુ સારો અનુભવ મળી શકે તેવી આશા સેવાઈ છે.
આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પણ છે. મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ શરૂ થયેલી આ સફાઈ કામગીરીથી શું હવે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ્ જતા સમગ્ર માર્ગ પર નિયમિત સ્વચ્છતા જળવાશે કે, પછી થોડા દિવસ બાદ ફરી સ્થિતિ યથાવત થશે? તે જોવું રહેશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો