ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ માછીવાડ ખાડામાં 20 વર્ષ પૂર્વે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો કોમ્યુનિટી હોલ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. લોકઉપયોગી કાર્યો માટે નિર્માણ પામેલો આ હોલ નિર્માણ બાદ આજદિન સુધી કોઈ પણ જાહેર હેતુ માટે વપરાશમાં આવ્યો નથી. યોગ્ય જાળવણી અને વહીવટી ઉદાસીનતાને કારણે આ બિલ્ડિંગ હાલ અત્યંત બિસ્માર અને કન્ડમ હાલતમાં ફેરવાયું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, બે દાયકા પહેલાં આ વિસ્તારના નાગરિકોને સામાજિક અને જાહેર પ્રસંગો માટે સુવિધા મળે તે ઉદ્દેશ્યથી લાખો રૂપિયા ખર્ચીને કોમ્યુનિટી હોલ બનાવ્યો હતો. જો કે, બન્યા ત્યારથી જ તંત્ર દ્વારા તેને તાળું મારી દેવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમય જતાં આ ઇમારત ખંડેર જેવી બની છે. જેના કારણે સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાનો રોષ લોકોમાં જોવા મળે છે. જર્જરિત બાંધકામ તોડી નવું લોકઉપયોગી કેન્દ્ર બનાવો હાલ આ હોલ જોખમી બન્યો હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેને તોડી પાડવો જરૂરી બન્યો છે. વિસ્તારના નાગરિકો માંગ કરી રહ્યા છે કે, નગરપાલિકા દ્વારા આ જર્જરિત બાંધકામ દૂર કરી તે જગ્યાએ સરકારી દવાખાનું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાળકો માટે સુવિધાસભર આંગણવાડી, અથવા સ્થાનિક મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સરકારી સીવણ ક્લાસ કે કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરવામાં આવે. ?આવી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો મહુડી ભાગોળ અને માછીવાડ વિસ્તારના હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટો ફાયદો મળી શકે તેમ છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આશા જાગી છે કે નવું શાસન આ પ્રશ્નને પ્રાથમિકતા આપશે. વર્ષોથી ઉપેક્ષિત રહેલા આ વિષયમાં નગરપાલિકા રસ દાખવી જૂના જર્જરિત હોલની જગ્યાએ જનહિતનું નવું નિર્માણ હાથ ધરશે કે કેમ, તે જોવું રહ્યું.
