ડભોઇ તાલુકાના ચનવાડા પાસે ઓરસંગ નદીમાં નવા નીરનું આગમન ખેડૂતો અને ગ્રામજનોમાં હર્ષોલ્લાસ ડભોઇ તાલુકામાંથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદીમાં લાંબા સમય બાદ નવા નીરની આવક થતાં ચનવાડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી છે. ઉપરવાસ અને છોટાઉદેપુર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પગલે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ઉનાળાની શરૂઆતથી જ ઓરસંગ નદી તદ્દન ખાલીખમ અને કોરીકટ બની હતી. લાંબા સમયથી નદી સૂકીભઠ્ઠ રહેતા આસપાસના ગામોમાં જળસંકટ અને ખેતી માટે પાણીની ભારે સમસ્યા સર્જાઈ હતી. જોકે, આજે નદીમાં વહેતા થયેલા નવાં નીરને જોઈને હરખાયેલા લોકોએ નદી કિનારે પહોંચીને પવિત્ર જળના વધામણાં કર્યા હતા. ખેતી અને ભૂગર્ભ જળસ્તરને મળશે. મોટો ફયદો નદી પુન જીવંત થતાં જ આસપાસના ખેડૂતોમાં એક નવો આશાનો સંચાર થયો છે. સૂકાઈ ગયેલા કૂવા અને બોરવેલમાં પાણીના સ્તર સુધરશે. સિંચાઈમાં રાહત ચોમાસું પાક માટે ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહેશે. માલધારીઓ અને પશુપાલકો માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉકેલાઈ જશે. લાંબા સમયના ઇંતેજાર બાદ નદીમાં ખળખળ વહેતા પાણીને જોવા માટે ચનવાડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે ઊમટી પડયાં હતા. નદીમાં પધારેલા નવા જળથી સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
