આગામી ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને ડભોઇ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને ભક્તોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરાઇ છે. ડભોઇ નગરમાં દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન સર્જાતી અગવડતાનો કાયમી ઉકેલ લાવવા હીરા ભાગોળ બહાર કાયમી ધોરણે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરાયો છે. જેનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન સતિષભાઈ રાવલ દ્વારા કરાયું હતું.

આ કૃત્રિમ તળાવનું કદ આશરે 20 બાય 40 ફૂટ રખાયું છે. તળાવ તૈયાર થવાથી વિસર્જન પ્રક્રિયા ઝડપી, સલામત અને સુવ્યવસ્થિત બનશે. જેથી ટ્રાફ્કિ અને ભીડ નિયંત્રણમાં પણ રાહત મળશે. દર વર્ષે અસ્થાયી ખાડા ખોદવાને બદલે પાલિકા દ્વારા કાયમી માળખું ઊભું કરાઇ રહ્યું છે. જે આગામી વર્ષોમાં પણ ઉપયોગી નીવડશે. ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મહંમદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફ્ઝલ હુશેન કબાવાળા, નગરસેવકો સુનિલ વસાવા અજય રાઠવા, પ્રકાશ વસાવા, સલીમ ઘાંચી અન્ય પાલિકાના ઇજનેરો તેમજ વહીવટી સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો. દર વર્ષે ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ વિસર્જનની મુશ્કેલી થતી હતી.