ડભોઇ પંથકમાં વહેલી સવારે વરસાદની સાથે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ડભોઈ તાલુકાના ઓરડી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતે એવો કહેર વર્તાવ્યો છે કે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં ખેડૂતોને રૂા.50 લાખથી વધુનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો અંદાજ છે.
ઓરડી ગામના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે કેળાની ખેતી કરે છે ચાલુ વર્ષે કેળાનો પાક ઉત્તમ હતો, ખેડૂત પાક ઉતારીને તેને બજારમાં વેચવાની આખરી તૈયારીઓમાં જ હતો. બરાબર એ જ સમયે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના ઝાપટાંને કારણે તૈયાર થઈ ગયેલી કેળાની લૂમો ભારે વજનને લીધે ઝાડ સહિત તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ખેતરોમાં માત્ર તૂટી પડેલા કેળના ઝાડ અને વેરવિખેર થયેલી કેળાની લૂમો જ જોવા મળી રહી છે. રાત-દિવસ એક કરીને લોહીનું પાણી કરીને આ પાક ઉછેર્યો હતો. હવે જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે બધું જ ઝૂંટવાઈ ગયુ. આ પંથકના મોટાભાગના ખેડૂતોએ બેંકોમાંથી અથવા ઊંચા વ્યાજે રૂપિયા લાવીને, મોંઘા ખાતર અને બિયારણ ખરીદીને મહા મહેનતે આ કેળાનો પાક તૈયાર કર્યો હતો આશા હતી કે સારો પાક થતાં દેવું ચૂકવાઈ જશે અને પરિવારનું ગુજરાન ચાલશે પરંતુ કુદરતી આફ્તે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આવા કપરા અને સંકટના સમયમાં હવે ઓરડી ગામના પીડિત ખેડૂતોની સરકાર પાસે એક જ આશા અને માંગણી છે.










