ડભોઇ નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોમાં વસાવાટ કરતા 40 મિલકત ધારકોને નોટિસ પાઠવી છે. જેમાં તાતકાલિક આ મકાન ખાલી કરી અન્ય જગાએ વસવાટ કરવા નોટિસમાં જણાવાયું છે.

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ વહેલી સવારથી ડભોઇના વિવિધ વિસ્તારોમાં જર્જરિત મકાનોની નોટિસ આપવાની કામગીરી હાથ ધરેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશનની તીવ્રતા વધતી જતી હોય આ ડીપ ડિપ્રેશન જ્યારે દરિયાકાંઠાના વિસ્તારથી પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય, ડભોઇ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરી છે. આગાહી મુજબ જો ભારેથી અતિભારે વરસાદ થાય તો ઉપસ્થિત થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડભોઇ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી લોકોને સાવચેત કરવાનું પણ શરુ કરેલ છે. જર્જરીત ભયગ્રસ્ત મિલકત ધારકો તથા આ મિલકતોમાં વસવાટ કરતા લોકોને પણ નોટિસ આપી તાત્કાલિક આ જગ્યાએથી પોતાનો વસવાટ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કવાયત ડભોઇ નગરપાલિકા દ્વારા હાથ ધરેલ છે. રોજ સાંજના 6 કલાકથી આગામી 24થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેથી જે લોકો નીચાણવાળા વિસ્તારમાં વસાવાટ કરતા હોવ તો જરૂરી તકેદારીના પગલાં અત્યારે જ લઈ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે. ડભોઇ નગરમાં જો ભારે વરસાદ થાય તો આ વરસાદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો જવાની સંભાવના હોય અન્ય જરૂરી વૈકલ્પિક ઉપકરણો જેવા કે મોબાઈલ ચાર્જ કરીને રાખવો. દીવો, મીણબત્તી વગેરે હાથ વગા રાખવા પણ જણાવાયું છે. આ આગાહી અન્વયે ડભોઇ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કંટ્રોલરૂમ શરૂ કરેલ છે. જો આકસ્મિક પરિસ્થિતિમાં મદદની જરૂર જણાય તો ડભોઇ નગરપાલિકાના ટેલીફેન નંબર 02663-257342 તથા મોબાઈલ નંબર 7567202772 પર સંપર્ક કરવા પણ જણાવાયું છે. આપાતકાલીન પરિસ્થિતિ ઉભી થાય તે માટે ડભોઇ નગરપાલિકા દ્વારા પોતાના તમામ વાહનોને સ્ટેન્ડ બાય કરી જરૂર જણાય તાત્કાલિક જે તે વિસ્તારમાં ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને સામાન્ય બનાવી શકાય તે મુજબની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરેલ છે. સમાજની વાડીઓમાં વૈકલ્પિક રહેવાની વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે.