ડભોઇ શહેર અને તાલુકામાં આ વર્ષે અપૂરતો અને ઓછો વરસાદ પડવા છતાં જગતના તાતની મહેનત રંગ લાવી છે. તાલુકામાં ડાંગરનો પાક અત્યંત સારો થતા ખેડૂતોમાં ભારે ખુશાલી જોવા મળે છે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળી પહેલા ડાંગરની કાપણી (કટિંગ) પૂર્ણ થતી હોય છે. પરંતુ આ વખતે વરસાદ ખેંચાવાને કારણે પાક થોડો મોડો તૈયાર થયો છે. હાલ સમગ્ર તાલુકામાં ડાંગરની કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલે છે. જોકે આધુનિક મશીનોના વધતા વ્યાપને કારણે સ્થાનિક ખેતમજૂરોની રોજીરોટી પર મોટું સંકટ ઊભું થયું છે. ચાર દિવસનું કામ મશીન માત્ર એક કલાકમાં પૂર્ણ કરે છે. ડભોઇ તાલુકામાં મુખ્ય પાક તરીકે ડાંગરનું મોટા પાયે વાવેતર કરાય છે. આધુનિક યુગમાં ખેતી ક્ષેત્રે આવેલી યાંત્રિક ક્રાંતિને કારણે હવે ખેડૂતો મજૂરોને બદલે હાર્વેસ્ટર મશીનો દ્વારા ડાંગરની કાપણી કરાવવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જે એક વીઘા જમીનમાં ડાંગરની કાપણી કરતા મજૂરોને ચાર દિવસ જેટલો સમય લાગે છે. તે જ કામ આધુનિક મશીન માત્ર એક જ કલાકમાં પૂર્ણ કરી આપે છે. સમય અને ખર્ચ બચતો હોવાથી મોટાભાગના ખેડૂતો મશીનો તરફ્ વળ્યા છે. ગ્રામીણ વિસ્તારના મજૂરોમાં બેરોજગારીની ચિંતા એક તરફ્ ડાંગરનું સારું ઉત્પાદન થતા ખેડૂતો ખુશ છે. તો બીજી તરફ્ ગ્રામીણ વિસ્તારોમાં વસતા શ્રમિક વર્ગમાં નિરાશા જોવા મળે છે. દિવસેને દિવસે ખેતીના દરેક કામમાં આધુનિક મશીનોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી ગરીબ મજૂરોને પૂરતી મજૂરી મળતી નથી. અગાઉ ડાંગરની કાપણીની સિઝનમાં સ્થાનિક મજૂરોને મહિનાઓ સુધી રોજગારી મળી રહેતી હતી. પરંતુ હવે મશીનોના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. સ્થાનિક શ્રમિકો અને ગ્રામજનોનું માનવું છે કે, જો ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી મજૂરો દ્વારા ડાંગરની કાપણી કરાવે, તો ગામના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરઆંગણે જ રોજીરોટી મળી રહે અને તેમનું ગુજરાન સરળતાથી ચાલી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો