ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઢાઢર નદી ચાલુ વરસાદી સિઝનમાં બીજી વખત બંને કાંઠે ખળખળ વહેતી જોવા મળી છે. નદીમાં નવા નીરની વિપુલ આવક થતાં સમગ્ર વિસ્તારમાં આહલાદક માહોલ સર્જાયો છે. કોરીકટ નદીમાં નવા નીર આવતાં ચિંતા દૂર થઈ છે.
છેલ્લા કેટલાક સમયથી વરસાદના વિરામ અને નદી સુકાઈને કોરીકટ થઈ જવાને કારણે આસપાસના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. નદીમાં પાણી ન હોવાથી ખેડૂતો સિંચાઈના પાણી માટે ભારે ચિંતિત હતા.પશુ-પક્ષીઓ અને પશુપાલકોઃ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જોકે કુદરતની મહેરબાનીથી ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે ઢાઢર નદીમાં પુષ્કળ પાણી આવતાં જળસંકટ દૂર થયું છે ખેતી અને જીવસૃષ્ટિ માટે સંજીવની સમાન નદી બે કાંઠે વહેતી થતાં જ આસપાસના સીમ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની શક્યતા વધી ગઈ છે જે ખેતીના પાક માટે વરદાન સાબિત થશે. સાથે જ, મૂંગા પશુ-પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહેતાં મોટો કલ્યાણકારી ફેરફાર જોવા મળ્યો છે.ઢાઢર નદીમાં નવા જળના આગમનથી ભીલાપુર સહિત આસપાસના ખેડૂતો, ગ્રામજનો અને પશુપાલકોમાં ખુશી અને સંતોષની લહેર ફરી વળી છે.
