દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ મુકામે બિરાજમાન વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા હજારો શ્રદ્ધાળુ પગપાળા જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાંથી નીકળેલા પગપાળા સંઘો ડભોઇના વસાઈ ગામેથી પસાર થતાં ગામના સેવાભાવી આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેઓનું સ્વાગત કરી અનોખી સેવા-સરભરા કરાઇ હતી. ફાગવેલ મુકામે દેવ દિવાળીના પર્વથી પાંચ દિવસીય લોકમેળા યોજાય છે. જેની પૂર્ણાહુતિ થાય છે. આ પાવન અવસરે વીર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અલગ-અલગ સંઘ સ્વરૂપે પગપાળા પ્રયાણ કરે છે. અને દેવ દિવાળીના દિવસે ફાગવેલ પહોંચે છે. માર્ગમાં જય વીર ભાથીજી મહારાજના નાદ અને ભજન-કીર્તનની રમઝટ સાથે આગળ વધતા આ પદયાત્રીઓમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળે છે. આ પગપાળા સંઘો જ્યારે વસાઈ ગામે પહોંચ્યા હતા. ત્યારે ગામના અગ્રણી સમાજસેવક અને મંદિરના પૂજારી કનુભાઈ ગામના આગેવાન દ્વારા તમામ પદયાત્રીઓનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જે પ્રસંગે રિદ્ધિ કેટરર્સના માલિક રાહુલ ભટ્ટ દ્વારા સ્વ-ખર્ચે તમામ ભાવિક ભક્તો માટે ચા-નાસ્તો, શુદ્ધ અને સાત્વિક ભોજન તેમજ રાત્રિ રોકાણ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પડાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો