ડભોઈ તાલુકાના વિશ્વવિખ્યાત વઢવાણા પક્ષી અભયારણ્ય (તળાવ) ખાતે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતા પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. તળાવમાં માત્ર 20 ટકા જ પાણી બચ્યું હોવાથી શિયાળામાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓના અસ્તિત્વ સામે ગંભીર ખતરો ઊભો થયો હતો. જોકે, તંત્રની સમયસૂચકતા અને નર્મદાના નીરની આવક શરૂ થતા હવે આ અબોલ પક્ષીઓને નવું જીવનદાન મળ્યું છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ વઢવાણા તળાવમાં દર વર્ષે દેશ-વિદેશથી 70 થી 80 હજાર જેટલા યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે. પરંતુ આ વર્ષે તળાવમાં પાણીનું સ્તર ઘટીને માત્ર 20 ટકા જેટલું જ રહી ગયું હતું. તળાવનો મોટો ભાગ સૂકો પડી જવાના કારણે રખડતા કૂતરા, શિયાળ અને અન્ય જંગલી શિકારી પ્રાણીઓ સરળતાથી પક્ષીઓ સુધી પહોંચી જતા હતા અને તેમનો શિકાર કરતા હતા. પાણીની અછત અને શિકારના ભયને કારણે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3 થી 4 હજાર જેટલા જ પક્ષીઓનું આગમન થયું હતું. પક્ષીઓ પર તોળાઈ રહેલા આ ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને સ્થાનિક પક્ષીપ્રેમી ઈશ્વરભાઈ મણીલાલ વસાવા દ્વારા સરકાર અને વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને સરકાર અને સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ડાયવર્ટ કરીને વઢવાણા તળાવમાં છોડવાનો નિર્ણય લેવાયો હતો. હાલ તળાવમાં નર્મદાના પાણીની આવક શરૂ થતા જળસપાટીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે, જેથી તળાવની વચ્ચે રહેલા પક્ષીઓ શિકારી પ્રાણીઓની પહોંચથી સુરક્ષિત રહેશે. તળાવમાં પૂરતું પાણી ભરાવાની શરૂઆત થતા આગામી દિવસોમાં વિદેશી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો થવાની પૂરી આશા બંધાઈ છે.
