ડભોઇ તાલુકામાંથી પસાર થતી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ઓરસંગ નદી હાલ અત્યારથી જ સાવ કોરીધાકોર જોવા મળે છે. સામાન્ય રીતે ઉનાળામાં નદીનો પટ સૂકાતો જોવા મળે છે. પરંતુ આ વર્ષે હજુ તો શિયાળાની માંડ શરૂઆત થઈ છે. ત્યાં જ ઓરસંગ નદી અત્યારથી ખાલીખમ થતાં સ્થાનિક લોકો અને ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ચાલુ વર્ષે ચોમાસામાં પંથકમાં વરસાદની અનિયમિતતા અને ઓછો વરસાદ નોંધાયો છે. જેના પરિણામે તાલુકાના મુખ્ય જળસ્ત્રોતો સમય પહેલાં જ ખાલી થયા છે. ચોમાસુ વિદાય લેતાની સાથે જ નદીના વહેણ થંભી ગયા છે. પટમાં માત્ર રેતીના ઢગલા જ નજરે પડી રહ્યાં છે. હજુ તો આખો શિયાળો બાકી છે. ત્યારબાદ કાળઝાળ ઉનાળો પસાર કરવાનો છે. ત્યારે શરૂઆતથી જ નદી સુકાઈ જતાં આવનારા દિવસોમાં જળસંકટ વધુ ઘેરું બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઓરસંગ નદી કાંઠાના ગામોના ખેડૂતો નદીના પાણી અને તેના કારણે ઊંચા રહેતા ભૂગર્ભ જળસ્તર પર નિર્ભર રહીને મોટા પાયે શિયાળુ તેમજ ઉનાળુ ખેતી કરતા હોય છે. નદી અત્યારથી જ સૂકાઈ જતાં બોર-કૂવાના પાણીના તળ પણ ઝડપથી ઊંડા ઉતરી જવાની શક્યતા છે. જેને કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં તે અંગે મૂંઝવણમાં મુકાયા છે. જો નદીમાં પાણી જ ન રહે તો ખેડૂતો શિયાળુ કે ઉનાળુ પાક લઈ શકે તેવી કોઈ અનુકૂળ સ્થિતિ હાલ દેખાતી નથી. નદી સૂકીભઠ થતાં માત્ર ખેતી જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો માટે પણ પશુના પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. હજુ તો મોસમની શરૂઆત છે. ત્યાં જ જો આ દશા હોય, તો આગામી વૈશાખ-જેઠ મહિનામાં પરિસ્થિતિ કેટલી વિકટ બનશે. તેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જગતનો તાત આ કુદરતી માર સામે લાચાર બનીને ચિંતાતુર નજરે વહીવટી તંત્ર કે કેનાલના આધારે મીટ માંડીને બેઠો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો