પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ડભોઇ શહેર સહિત સમગ્ર તાલુકાના બજારોમાં તહેવાર જેવો ઉત્સાહ હજુ સુધી જોવા મળતો નથી. સામાન્ય રીતે રક્ષાબંધન પૂર્વે રાખડી બજારો ગ્રાહકોથી ધમધમતા હોય છે. પરંતુ આ વર્ષે બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળે છે. દિવસો વિતવા છતાં ઘરાકી ન નીકળતા વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી છે. સ્થાનિક અગ્રણી વેપારી ગુડ્ડુભાઈ મણિયાર અને સીદીક મણિયારે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડીના ભાવમાં સીધો રૂા.15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. કાચા માલના વધેલા ભાવ અને પરિવહન ખર્ચના કારણે રાખડીઓ મોંઘી બની છે. હાલ મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું છે. જેની સીધી અસર ખરીદી પર પડી છે.

રક્ષાબંધન નજીક હોવા છતાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે રાખડીનો મોટો સ્ટોક કરીને બેઠેલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, જો આગામી બેથી ચાર દિવસમાં ખરીદીમાં તેજી નહીં આવે તો, વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. હવે વેપારીઓની તમામ મીટ તહેવારના છેલ્લા દિવસોમાં નીકળનારી ઘરાકી પર મંડાયેલી છે.