ડભોઇ નગરની મધ્યમાં વર્ષો પુરાણુ લાલબજાર ખાતે નરસિંહજી ભગવાનના મંદિરેથી વર્ષો જૂની પરંપરા મુજબ સાજનમાજન સાથે ઉત્સાહભેર ભગવાન નરસિંહજીનો વરઘોડો સાંજના મંદિરેથી નીકળ્યો હતો. ભગવાન નરસિંહજીને પાલખીમાં બિરાજમાન કરાયા હતા. પાલખીને ઊંચકવા ભક્તોની ભીડ જામી હતી. ડભોઇમાં નરસિહજી ભગવાનના જયઘોષ અને સુંદર ભવ્ય આતશબાજીને ડીજેની ભક્તિની ધૂનો સાથે ઉત્સાહભેર ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો. લાલબજાર ટાવર થઈને નગરના મુખ્યમાર્ગો પરથી પસાર થતો હતો. ત્યારે ભગવાનના દર્શન કરવા ભક્તજનો ઊમટયા હતા. ટાવરે વરઘોડો પહોંચતા જ ભક્તોએ રાસ અને ગરબાની ધૂમ મચાવી હતી. નરહરિલાલ કી જયના જયઘોષ સાથે ભવ્ય આતશબાજીને ભક્તિ ધૂનોમાં નગરમાં રાજુ શાહ, ભરત શેઠ તેમજ ઉંચાટીંબાના તમામ કાર્યકારોએ કામગીરી કરી હતી. વાજતેગાજતે નિકળેલા ભવ્ય વરઘોડો હીરા ભાગોળ બહાર તુલસીવાડી ખાતે પહોંચતા ભગવાનની આરતી કરાઇ હતી. પરંપરા અનુસાર ભગવાનની આરતી વરઘોડો નીકળતા પહેલા મંદિર બહાર પણ કરાતા ભક્ત સમુદાય તેનો અમૂલ્ય લ્હાવો લેવા ઉભા થયા હતા. તુલસીવાડીમાં તુલસીજી સાથે ભગવાન નરસિંહજીને બિરાજમાન કરીને લગ્ન વિધિની શરૂઆત થઇ હતી. વાડી બહાર તે સમયે આતશબાજી કરાઇ હતી. લગ્ન સમયે મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠયું હતું. ભક્ત સમૂદાય દ્વારા લગ્ન ગીતો અને ભક્તિની ધૂનો વચ્ચે તુલસીવાડી ખાતે ભગવાનના લગ્ન સંપન્ન થયા હતા. દેવદિવાળીના આગલા દિવસે ઊંચાટીંબાના યુવકો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો