ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત ડભોઈ નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નગરના કુંભારવાડામાં માતાજીના ગરબા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે.
કુંભાર પરિવારોના સભ્યો કેટલાક દિવસોથી માટીના કલાત્મક ગરબા તૈયાર કરવામાં રાત-દિવસ જોતરાયા છે. સમગ્ર પરિવારની સામૂહિક મહેનત ગરબા બનાવવાની પ્રક્રિયામાં સમગ્ર પરિવારનો સહયોગ જોવા મળે છે. કુંભાર ભાઈઓ ચાકડા પર માટીમાંથી સુઘડ ગરબા તૈયાર કરે છે. જ્યારે પરિવારની મહિલાઓ અને અન્ય સભ્યો ગરબાને આકર્ષક બનાવવા રંગકામ, ઝીણવટભરી કોતરણી અને સાથિયા સહિતનું ચિતરામણ કરે છે. નવરાત્રિ નજીક આવી પહોંચતાં અત્યારે કારીગરો દ્વારા રાત-દિવસ કામગીરી કરાઇ રહી છે. કુંભાર પરિવારોના જણાવ્યા મુજબ, નવરાત્રિના આશરે 20 દિવસ અગાઉથી ગરબા બનાવવાની શરૂઆત કરી દે છે. બહારગામના ઓર્ડર નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ અગાઉ પૂર્ણ કરી પહોંચતા કરાય છે. એક ગરબાની કિંમત આશરે રૂા.250થી શરૂ થાય છે. જેમાં સાથે કોડિયું અને એક કુલડી પણ આપે છે. ડભોઇ શહેર અને તાલુકામાં દર વર્ષે આશરે 500થી 700 ગરબાનું વેચાણ થાય છે. અહીં હજારોની સંખ્યામાં તૈયાર થતા ગરબા કાયાવરોહણ, મંડાળા, ભીલાપુર, શિનોર, તિલકવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોકલે છે. ગરબાની વધતી માંગને પગલે કુંભાર પરિવારોમાં પણ સારી એવી રોજગારી ઊભી થઈ છે.બીજી તરફ્, આસો નવરાત્રિ મહોત્સવને લઈને માઈભક્તો અને ખેલૈયામાં અત્યારથી ઉત્સાહ જોવા મળે છે. ઘરોમાં માતાજીની સ્થાપના અને ઘટસ્થાપન માટેની તૈયારી શરૂ થઈ છે.
