ડભોઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય બની છે. શાળાએ જવાના મુખ્ય સમયે જ એસ.ટી. બસની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસ સ્ટેન્ડ પર ઊભા રહેવું પડે છે. અથવા તો બસમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડે છે.
તાલુકાના મુખ્ય 10થી વધુ ગામો અને વસાહતોના વિદ્યાર્થી રોજ મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેમા સીમરીયા અને સીમરીયા વસાહત પણસોલી અને પણસોલી વસાહત મોતીપુરા કબીરપુરા, અમરેશ્વર, અકોટાદર દર વસાહતના 200થી વધુ વિદ્યાર્થી સામે માત્ર એક જ બસ ફળવાઇ છે.
જેને કારણે વિદ્યાર્થીઓને બસના દરવાજે લટકીને જવાનો વારો આવે છે. જેનાથી ગંભીર અકસ્માતનો ડર રહે છે. બસમાં જગ્યા ન મળતા અથવા બસ છૂટી જતાં, બસ પાસ હોવા છતાં વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં દરરોજ વધારાના પૈસા ખર્ચીને શાળાએ પહોંચવું પડે છે. કલાકો સુધી બસની રાહ જોવામાં વિદ્યાર્થીઓનો કિંમતી સમય અને ભણતર બગડી રહ્યું છે.
સરકાર દ્વારા ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારમાં શિક્ષણ અને સુવિધા માટે કરોડોની ગ્રાન્ટો ફાળવાય છે. પરંતુ ધરાતલ પર વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ માત્ર ફેટા પડાવવા પૂરતા જ દેખાય છે જ્યારે પ્રજા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં હોય ત્યારે નેતાઓ ગાયબ થાય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની સરકાર તથા એસ.ટી. નિગમ પાસે એક જ માંગ છે કે, શાળાના સમયગાળા દરમિયાન તાત્કાલિક ધોરણે વધુ 2 વધારાની બસો શરૂ કરાય. જેથી 200થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો