ડભોઇ તાલુકાના કડોદરા ગામના ખેડૂતો હાલ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે. કડોદરાપુરાથી અબ્દુલ્લા ગામ તરફ્ જતો નવો રોડ બનાવતી વખતે ગરનાળું મૂકાયું નહોતું. અને રોડની ઊંચાઈ વધારી દેવાતા આસપાસના ખેતરોમાં પાણીના નિકાલનો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો છે. પરિણામે કડોદરા ગામની આશરે 100 વીઘાથી વધુ જમીનમાં ચોમાસાના પાણી ફરી વળ્યાં છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરે યોગ્ય આયોજન વગર જ રોડનું નિર્માણ કર્યું છે. પાણીના નિકાલ માટે જે નાળુ બનાવવું જરૂરી હતું તે ન બનાવતાં આખી સીમમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં સંગ્રહાયેલા પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોએ વાવેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે ગામના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળે છે. ખેડૂતો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, શું તંત્ર જાગશે ક્યારે આ રસ્તાનું લેવલ સરખું કરી નાળુ નખાશે. વહેલી તકે સમસ્યા નિવારવા માગ ઉઠી છે.
