ડભોઇ એસટી બસ ડેપોમાં મુસાફરોને બસની રાહ જોઈને ઉભા રહેવાનો વારો આવે છે. બસ આવે તો પડાપડી થાય છે. સમયસર બસો ન આવવાને કારણે લોકો પરેશાન થયા છે. એક બસમાં 70થી 80 મુસાફરોને બેસાડવાનો વારો આવે છે. તેથી વધુ બસ મુકાય તેવી લોકોની માંગ છે.

ડભોઇ એસટી બસ ડેપોમાં વહીવટી બેદરકારીને કારણે મુસાફરોને વારંવાર મુશ્કેલીમાં મુકાવું પડે છે. જેને કારણે ખાનગી વાહન ચાલકોને ફાયદો થાય છે. અલબત્ત ડભોઇ- વડોદરાના મુસાફરોની સંખ્યા અને અપડાઉન કરતા મુસાફરોની સંખ્યા વધુ હોવા છતાં સવાર-સાંજ મુસાફરોને અવરજવર કરવા મુશ્કેલી પડતી હોવાનું મુસાફરો જણાવે છે. તેમ છતાં પણ કમાણીમાં અગ્રેસર રહેતો આ રૂટ પર બસ સેવાનું પ્રમાણ નિરાશાજનક છે. ડભોઇ એસટી ડેપોનું અને જિલ્લા એસટી ડેપોના વહીવટ કર્તાઓનું ધ્યાન મુસાફરો પર ન હોવાથી તેમનો કથળેલો વહીવટ મનસ્વીરૂપ ધારણ કરી રહેલો હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. 

કેટલીક ખખડધજ બસ હોવા છતાં તેને દોડાવ્યા કરતા હોય છે. જેને કારણે અસંખ્ય વાર મુસાફરોને રસ્તે રઝળવું પડે છે. આ બાબતે મુસાફરો રજૂઆત કરી હોવા છતાં પણ આવી બસ મૂકાય તો તેમાં ખાસ કરીને ડભોઇ વડોદરા રોડ ઉપર આવી બસોની સંખ્યા વધુ છે. વડોદરા જિલ્લામાં મધ્યે ડભોઇ એસટી ડેપો હોવાથી અહીં મુસાફરોની અવરજવર વધુ હોય છે. વિદ્યાર્થીઓ નોકરીયાતો તથા વેપારીઓ અને સામાજિક કામ માટે અવર-જવર કરતા મુસાફરોની મોટી સંખ્યા હોય છે. છતાં પણ લિમિટેડ બસ સેવા આ રૂટ ઉપર છે. જેને કારણે વારંવાર મુસાફરોને ઘેટા બકરાની માફ્ક બસમાં સવારી કરવી પડે છે. સમયસર બસ ન મળે તો ખાનગી વાહન ચાલકોને પણ ફાયદો થતો હોય છે. ડભોઇ વડોદરા રૂટ એસટી બસ નિગમને કમાણી કરાવતો રૂટ હોવા છતાં ઓછી બસોને કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે. ત્યારે એસટી બસ નિગમ દ્વારા વધુ બસ અને ઇલેક્ટ્રિક બસ મૂકવા માગ કરાઇ છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો