ડભોઇ : ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને ડભોઇ તાલુકા સેવા સદનના ત્રીજા માળે આવેલા કોન્ફ્રન્સ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડી.વાય.એસ.પી. આકાશ પટેલ તથા પી.આઈ. એ.ટી.પટેલની અધ્યક્ષતામાં ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારા ભર્યા માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગેવાનોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરાઇ હતી. જે પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ નૂરમહંમદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફ્ઝલ કાબાવાલા, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇના પ્રમુખ શશીકાંત પટેલ, અક્ષય ઠાકોર તેમજ મુસ્લિમ સમાજના ઇબ્રાહિમ મહુડાવાળા, શહીદ લોટવાલા સહિત મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
