વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઇથી વેગા થઈ નાંદોદી ભાગોળ અને ત્યાંથી ચાતરીયા પીર સુધીના વિસ્તારમાં કરોડોના ખર્ચે બની રહેલી વરસાદી કાંસનું કામ હાલ અદ્ધરતાલ જોવા મળે છે. ચોમાસું માથે છે. ત્યારે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને રફુચક્કર થયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે. ડભોઇ વેગાથી લઈને ચાતરીયા પીર સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો કામ અધ વચ્ચે જ છોડીને જતા રહ્યાં છે. ખોદાયેલી કાંસો અને અધૂરા બાંધકામને કારણે સમગ્ર વિસ્તાર બિસ્માર બન્યો છે. ચોમાસા પહેલા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ હાલમાં સાઇટ પર કોઈ કામગીરી ન થતાં તંત્રના પ્રી-મોન્સૂન કામગ્ના દાવા પોકળ સાબિત થયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, તો અધૂરી કાંસને કારણે પાણી આગળ વધી શકશે નહીં અને બ્લોકેજ સર્જાશે. આ સ્થિતિમાં ડભોઇની આસપાસની અસંખ્ય રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાની 100 ટકા શક્યતા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: