ડભોઇ શહેર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ભારે ચિંતામાં મુકાયા હતા. જોકે, ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. બપોર બાદ અચાનક ભારે પવનના સુસવાટા અને કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન અને વરસાદને કારણે સમગ્ર પંથકમાં ધોળે દિવસે અંધારપટ છવાયો હતો. ધોળે દિવસે અંધારપટ છવાતા વિઝિબિલિટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેને પગલે મુખ્ય માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અકસ્માત ટાળવા માટે ચાલકોને ધોળે દિવસે વાહનોની હેડલાઈટો ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહનો હંકારવાની ફરજ પડી હતી. ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી.