ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ડભોઈ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. ડભોઈના સરિતા ફટકથી લઈને નીલકંઠ સોસાયટી અને ગાયત્રી સોસાયટી સુધી નાખેલા વરસાદી કાંસના ભૂંગળા અત્યારથી જ માટી અને કચરાથી પૂરેપૂરા ભરાયા છે. જેને લઈને સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર સામે ભારે નારાજગી છે.


મળતી માહિતી મુજબ, સરિતા ફટક પાસે નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત આસપાસની અંદાજે પાંચ જેટલી સોસાયટીના રહીશો દર વર્ષે ચોમાસામાં જળબંબોળની સ્થિતિનો સામનો કરે છે. વરસાદી કાંસ અને ભૂંગળા ઠેર-ઠેરથી પૂરાયા હોવાને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. જેના લીધે દર ચોમાસે લોકોના ઘરોમાં કેડ સમાન પાણી ઘૂસી જાય છે. અને ઘરવખરીને મોટું નુકસાન થાય છે. આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. છતાં, પાલિકાના પેટનું પાણી હલતું નથી. જનતાના પ્રશ્નો અને સુવિધાઓમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દર વર્ષે અમારે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી

નગરપાલિકાના ઉદાસીન વલણથી કંટાળીને આજે પાંચેય સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. તેઓએ એકસૂરે વહીવટી તંત્ર વિરુદ્ધ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા ચોમાસામાં પણ પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફ્ળ છે. ચોમાસું બેસે તે પહેલાં જ નગરપાલિકાનું તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે વરસાદી કાંસ તેમજ ભૂંગળાઓમાંથી માટી અને કચરો કાઢવાની વ્યવસ્થા કરે કાયમી નિકાલ સરિતા બ્રિજથી લઈને થરવાસા ઓવરબ્રિજ સુધીની વરસાદી કાંસ લાઈનને સંપૂર્ણ સાફ્ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નહીં કરાય તો ચોમાસામાં આ વિસ્તારો ફરીથી બેટમાં ફેરવાઈ જશે. તેની જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે. તેવી ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: