ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસે પવિત્ર અને જીવાદોરી સમાન ઢાઢર નદીમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી સીધેસીધું ઠલવાતા સમગ્ર નદીમાં પ્રદૂષણની માત્રા ચિંતાજનક હદે વધી છે. નદીના સ્વચ્છ પાણી અત્યંત ડહોળા, કાળા અને દુર્ગંધયુક્ત બની જતાં આસપાસના વિસ્તારના પશુ-પક્ષીઓ, જળચર જીવો તેમજ ખેડૂતોના મૂંગા ઢોર માટે પીવાના શુદ્ધ પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રાજ્યની નદીઓને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રાખવા માટે સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)દ્વારા કડક સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવા છતાં ભીલાપુર નજીક ઢાઢર નદીમાં ગટરના ગંદા પાણી બેરોકટોક ભળી રહ્યાં છે. એક સમયે જે નદીનું પાણી સ્વચ્છ દેખાતું હતું. તે હાલ ગંદકી, કચરા અને અસહ્ય દુર્ગંધનું ઘર બની છે. આ દૂષિત પાણી પીવાને કારણે મૂંગા પશુઓ અને પક્ષીઓમાં રોગચાળો ફાટી નીકળવાની તેમજ તેમના સ્વાસ્થ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસું નબળું રહેવાને કારણે ઢાઢર નદીમાં નવા નીરની આવક પહેલેથી જ ઓછી છે. નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી ગટરનું ગંદુ પાણી ભળતા જ આખી નદી ઝેરી અને દૂષિત બની છે. આગામી શિયાળા અને ખાસ કરીને કપરા ઉનાળાની ઋતુમાં નદીમાં પાણીનો જથ્થો જળવાઈ રહે અને પશુ-પક્ષીઓ માટે પાણી પીવાલાયક રહે તે માટે ગટરના પાણીના નિકાલને તાત્કાલિક ધોરણે નદીમાં ભળતા અટકાવવું અત્યંત જરૂરી બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. ગ્રામજનોની માંગ છે કે, ગટરના પાણીને ટ્રીટમેન્ટ કર્યા વિના નદીમાં છોડવાનું બંધ કરવામાં આવે.
