ડભોઈના મહુડી ભાગોળ બહાર આવેલા 21 નંબરના રેલવે ફાટક પર સમારકામ પૂર્ણ થયા બાદ પણ વાહનચાલકોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. રેલવે તંત્ર દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી ફાટક બંધ રાખીને સમારકામની કામગીરી હાથ ધરાઇ હતી. દરમિયાન રેલવે ટ્રેક, સ્લીપર, ખીલા અને કેબલ બદલવા માટે ફાટક નજીકનો રસ્તો ખોદવામાં આવ્યો હતો. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતા હાલ ફાટક પરથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યું છે. રેલવે ટ્રેકની આસપાસ મોટા બ્લોક, રબરના ટુકડા તેમજ ખાડાઓ યથાવત્ જોવા મળી રહ્યા છે. પરિણામે ટુ-વ્હીલર સહિતનાં વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમારકામના નામે પાંચ દિવસ સુધી ફાટક બંધ રાખ્યો છે. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો પૂર્વવત્ કરવાની જવાબદારી જાણે વિસરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકો અકસ્માતના ભય વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ખાડા પૂરવામાં આવે, રસ્તો સમતલ કરવામાં આવે અને વાહન વ્યવહાર સરળ બનાવવાવાહનચાલકોની ઉગ્ર માંગ ઉઠી છે.
