ડભોઇ નગરમાં નવી નગરી વિસ્તારથી ટીંબી ફાટક તરફ્ જતો મુખ્ય માર્ગ ઘણાં સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જવાને કારણે અહીંથી પસાર થતા રાહદારી, વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા ડભોઇ નગરપાલિકા તથા સંબંધિત તંત્ર સમક્ષ આ રોડનું વહેલી તકે નવીનીકરણ અથવા પેચવર્ક કરી સમારકામ કરવા પ્રબળ માંગ ઉઠી છે. આ રોડ માત્ર સ્થાનિક અવરજવર પૂરતો મર્યાદિત નથી. પરંતુ ડભોઇથી બોડેલી, વાઘોડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતો અતિ મહત્વનો સંપર્ક માર્ગ છે. દરરોજ સેંકડો નાના-મોટા વાહનો, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી અને નોકરિયાતો આ રસ્તેથી મુસાફરી કરે છે. માર્ગની દયનીય સ્થિતિના કારણે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફ્કિની સમસ્યા સર્જાય છે. અને વાહન ચાલકોનો કિંમતી સમય વેડફાય છે. માર્ગ પર પડેલા ઊંડા ખાડાને કારણે દ્વિચક્રી વાહનો સ્લીપ થઈ જવાના અને વારંવાર પંચર પડવાના બનાવો સામાન્ય બન્યા છે. રાત્રે અંધારામાં ખાડા ન દેખાવાને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાય છે. રીપેર કામ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે.
