ડભોઇ ફોરેસ્ટ ઓફ્સિથી નાંદોદી ભાગોળ સુધી મુખ્યમાર્ગ ઉપર વિવિધ જાતિના વૃક્ષો વાવ્યા હતા. ડભોઇમાં લાખોના ખર્ચે રોપાયેલ 1,000 વૃક્ષો પાણી વિના સૂકાઇ ગયા છે. નગરપાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો છે. ડભોઇ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU તરફ્ જતા મુખ્ય માર્ગ પર ડભોઇ નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે રોપેલા અંદાજે 1,000 જેટલા વૃક્ષો હાલ તંત્રની ઘોર બેદરકારી અને પાણીના અભાવે સૂકાઈ રહ્યાં છે. માત્ર દેખાડો કરવા અને ફોટો સેશન પૂરતું વૃક્ષારોપણ કર્યા બાદ પાલિકાના સત્તાધીશોએ તેની જાળવણી પ્રત્યે આંખ આડા કાન કરતાં પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક નગરજનોમાં ભારે રોષ છે. મળતી માહિતી મુજબ, અગાઉ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડભોઇના પ્રવાસે આવ્યા હતા. ત્યારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી રોડ પર ફેલાયેલી ગંદકીને લઈને મોટો વિવાદ અને સવાલો ઉભા થયા હતા. સ્થાનિક ચર્ચા મુજબ, તંત્રની નિષ્ફ્ળતા અને માર્ગ પરની ગંદકીને છુપાવવા માટે નગરપાલિકા દ્વારા ઉતાવળે આ માર્ગ પર અંદાજે 1,000 જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું. પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષો તો રોપીદેવાયા હતા. પરંતુ ત્યારબાદ તેની નિયમિત માવજત કે, પાણી પીવડાવવાની કોઈ નક્કર વ્યવસ્થા કરાઇ નથી. પરિણામે, હાલ આ માર્ગ પર રોપેલા મોટાભાગના વૃક્ષો પાણી વિના દિવસેને દિવસે સૂકાઈને નષ્ટ થઈ રહ્યાં છે. સ્થાનિક નાગરિકોમાં એવો ગણગણાટ છે કે, ડભોઇ નગરપાલિકાના સત્તાધીશોને માત્ર કામગીરીના ફોટા પડાવીને વાહવાહી લૂંટવામાં અને અન્ય કામોમાં જ રસ છે. જો નગરપાલિકા તંત્ર દ્વારા આ વૃક્ષોને નિયમિત પાણી અને યોગ્ય જાળવણી કરી હોત તો આજે આ હરિયાળી બચી શકી હોત.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો