ડભોઈ નગરમાં પૌરાણિક અને આસ્થાના પ્રતીક સમાન શ્રી બદ્રીનારાયણ મંદિરે દેવઉઠી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત ધાર્મિક વિધિ-વિધાન સાથે શ્રી તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, શ્રાદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં પોઢેલા ભગવાન શ્રી વિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આ પવિત્ર દિવસથી માંગલિક કાર્યોની શરૂઆત થતી હોવાનું પણ શાસ્ત્ર્રોમાં અને પરંપરામાં વિશેષ મહત્ત્વ છે. દેવઉઠી અગિયારસના પાવન અવસરે ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપ સમાન શાલિગ્રામજી અને તુલસી માતાના વિવાહનું આયોજન કરવામાં આવે છે. શ્રી બદ્રીનારાયણ મંદિરે પરંપરાગત વિધિ-વિધાન, મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે તુલસી વિવાહની પવિત્ર વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન શ્રી બદ્રીનારાયણના દર્શન અને તુલસી વિવાહના ધાર્મિક ઉત્સવનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ ઊમટી પડયા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઊઠયું હતું. ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતા આવા ઉત્સવોના માધ્યમથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના મહત્ત્વથી પરિચિત કરાવવાનો સુંદર પ્રયાસ પણ જોવા મળ્યો હતો.
