ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલના અભાવે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાંથી પસાર થતા સેજપુરા-રાજલી-મંડાળા મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ખુલ્લેઆમ રેલાતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે. ગામમાં લાખો રૂપિયાના આંધણ બાદ પણ સમસ્યા ઠેરની ઠેર રહેતાં સ્થાનિક રહીશોમાં પંચાયત તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. સેજપુરા ગામમાં વર્ષો જૂની ગટર વ્યવસ્થા અને ગંદા પાણીના ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આશરે રૂા.1 થી 1.5 લાખના ખર્ચે નવી ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે આયોજનના અભાવે કે નબળી કામગીરીને કારણે નવી ગટર લાઇનમાં પાણીનું એક ટીપું પણ જતું નથી. પરિણામે સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલા રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નવી લાઇન ગટર કાર્યરત ન થતાં જૂની ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થઈને સેજપુરા-રાજલી-મંડાળા મેઇન રોડ પર ફરી વળ્યું છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતાં બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના પાણી ભરાઈ રહેવાથી મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ભારે ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને કમળા જેવા ગંભીર રોગચાળો વકરે તેવી દહેશત સેવાઈ રહી છે. વારંવારનીરજૂઆતો છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી. અધિકારીઓ સ્થળ તપાસ કરી નબળી કામગીરી કરનાર સામે પગલાં લે અને નવી ગટર લાઇનનું યોગ્ય લેવલિંગ કરાવી પાણીનો તાત્કાલિક કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
