ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર લગાવેલા દિશાસૂચક સાઈન બોર્ડ પર હાલ જંગલી વેલા, ગાંડા બાવળ અને ઝાડી-ઝાંખરા ફરી વળ્યા છે. ચોમાસું પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વીત્યો હોવા છતાં જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરો દ્વારા આ બોર્ડની આસપાસ ઉગી નીકળેલી વનસ્પતિની સાફ્-સફાઈ કરાઇ નથી. જેના કારણે સ્થાનિકો અને બહારગામથી આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીને કારણે રસ્તાની બંને બાજુએ અને ખાસ કરીને ગામના નામ તથા દિશા દર્શાવતા સાઈન બોર્ડ પર જંગલી વેલા ચઢી ગયા છે. આ બોર્ડ સંપૂર્ણપણે ઝાડી-ઝાંખરાથી ઢંકાઈ જવાને કારણે એક ગામથી બીજા ગામ તરફ્ જતા મુસાફરોને રસ્તાની યોગ્ય માહિતી મળતી નથી. ખાસ કરીને રાત્રિના સમયે અને બહારગામથી આવતા અજાણ્યા વાહનચાલકો બોર્ડ ન દેખાવાને કારણે ખોટા રસ્તે ચઢી જાય છે. અથવા કલાકો સુધી અટવાઈ પડે છે. જેનાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની જાળવણી અને સાફ્-સફાઈ માટે મજૂરો અને કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરાતી હોય છે. પરંતુ ડભોઈ પંથકમાં આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવો ઘાટ સર્જાયો છે. ઠેર-ઠેર ચોકડીઓ પર ગાંડા બાવળ અને જંગલી વેલાઓએ સાઈન બોર્ડને બાનમાં લીધા છે. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ વહેલી તકે નિદ્રામાંથી જાગે અને ડભોઈ તાલુકાના તમામ માર્ગો તથા ચોકડીઓ પર લગાવેલા સાઈન બોર્ડ પરથી જંગલી વેલા અને ઝાડી-ઝાંખરા તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરી હાથ ધરે.
