દાહોદ : આદિજાતિ બહુલ એવા દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અન્વયે જિલ્લાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવી એમ્બ્યુલન્સ ફળવી છે.

આ એમ્બ્યુલન્સને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર પશુપાલન ગૌસંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લાના ધારાસભ્યઓ જીલ્લા પંચાયત નવ નિયુક્ત સમિતિના તમામ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાયોજના વહીવટદાર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કુલ રૂ.1,94,23,404 ના ખર્ચે 13 અદ્યતન એમ્બ્યુલન્સ ફળવવામાં આવી છે. જેમાં જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષના આરોગ્ય સેવાઓના કામગીરીના મૂલ્યાંકન તથા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ એમ્બ્યુલન્સ ચોસાલા, બાવકા, પાટીયા, નઢેલાવ, લીલવા ઠાકોર, ડુંગરી, ઘુઘસ, મોટી ઢઢેલી, ઝાબુ, ચીલાકોટા, દાસા, ગુણા અને કરંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં જિલ્લાના ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં પણ નોંધપાત્ર વધારો થશે.