દાહોદ તાલુકાના બાવકા ગામે માસુમ દીકરીને સાથે લઈ માતા ખેતરમાં નિંદામણ કરવા ગઈ હતી, ત્યારે છ સાગરીતો સાથે ઈકો કારમાં આવેવા પતિએ પત્ની તથા તેની પુત્રીના અપહરણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પત્નીએ બૂમાબૂમ કરી મુકતા તેને માર મારી બે વર્ષની દીકરીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો, જે સંબંધે પત્નીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.


બાવકા ગામે બારી ફળિયામાં રહેતા શૈલેષ વાલાભાઈ પરમારની 25 વર્ષીય પુત્રી કોમલને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ચણાસર ગામે પરણાવી હતી. જેને સંતાનમાં બે વર્ષની દીકરી જીણુ છે, કોમલ હાલ પુત્રી સાથે પિતાના ઘરે રહેતી હતી. દરમિયાન તે તેની પુત્રી સાથે ખેતરમાં નિંદામણ કરવા ગઈ હતી. તે સમયે કોમલબેનનો પતિ હરીશ શંકરભાઈ ભાભોર કારમાં તેના સાગરિતો સાગર મીઠા ભાભોર, પેથાપુર ગામનો કૃણાલ કલસિગ ડામોર, આર્યન ઈનેશ હાંડા, લક્ષ્મણ લસુ કલાસવા, લીલવા દેવા ગામના મહેન્દ્ર ચુનીલાલ ડાંગી તથા અન્ય એકની સાથે બાવકા ગામે આવ્યા હતા. અને પત્ની કોમલબેન અને પુત્રી ઝીણુને જબરજસ્તીથી ગાડીમાં બેસાડવા લઈ જતા હતા. જેથી કોમલબેને બૂમાબૂમ કરી મુકતાં પતિએ થપ્પડો તથા માર માર્યો હતો. દરમિયાન બૂમાબૂમ થતાં નજીકના ખેતરમાંથી માણસો દોડી આવતાં હરીશ ભાભોર અને તેના સાગરિતો કોમલબેનને છોડીને પુત્રી ઝીણુનું અપહરણ કરી લઈ ગયા હતા. જે સંબંધે કોમલબેને જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કુલ સાત વ્યક્તિ સામે રાયોટીંગ વીથ કિડનેપિંગને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: