દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલવાતની અધ્યક્ષતામાં ક્ષય (ટીબી)ના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ અંગે સતત મેડિકલ એજ્યુકેશન (CME) કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તથા આયુષ તબીબો માટે આયોજિત કરાયો હતો. જેમાં બારીયા અને પીપલોદ વિસ્તારના ખાનગી તબીબોને ટીબી રોગ અંગે અધ્યતન માહિતી અપાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે હોસ્પિટલોના રજીસ્ટ્રેશન બાકી છે તે તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત દાહોદ જિલ્લામાં વનરેબલ પોપ્યુલેશનના અંદાજે 3.5 લાખ લોકોના એક્સ-રે કરવાના લક્ષ્યાંક અંગે માહિતી આપી જે કામગીરી હાલમાં ચાલુ હોવાનું જણાવાયું હતું. ગુજરાતમાં દાહોદ જિલ્લો એવો એકમાત્ર જિલ્લો છે જ્યાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સિકલ સેલ રોગની તપાસ થાય છે.










