સંજેલી તાલુકાના કોટા ડુંગર પર વન વિભાગ દ્વારા અંદાજે 68 લાખના ખર્ચે નિર્માણ પામેલા રેસ્ટ હાઉસમાં ઉદઘાટન પહેલાં જ તિરાડો દેખાતા બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નવીન બાંધકામમાં પગથિયા દિવાલો અને ટાઇલ્સમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા તીરાડો પડી ગઈ હતી. જેના પગલે વન વિભાગ દ્વારા તપાસ કરાતા ક્ષતિ જણાય આવી હતી.
રેસ્ટહાઉસમાં ઉદઘાટન પહેલા જ કામગીરીમા પોલ સામે આવી છે, અનેક સ્થળોએ દિવાલો અને પગથિયાંમાં તિરાડો પડી ગઈ છે, જ્યારે ભોંયતળિયે લગાવેલ ટાઇલ્સ પણ બેસી જતાં સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરાઈ રહી છે. સ્થળની તપાસ કરતા વન વિભાગ દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટરને જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. વધુમાં માહિતી મળી કે કોન્ટ્રાક્ટરને હજુ સુધી પેમેન્ટ ચુકવણી કરવામાં આવી નથી તેમજ બિલ્ડિંગનું કમ્પ્લીશન સર્ટિફ્કિેટ પણ આપવામાં આવ્યું નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે સરકારી નાણાંમાંથી તૈયાર થયેલા આવા મહત્વના પ્રોજેક્ટમાં જો ઉદઘાટન પહેલાં જ ખામીઓ સામે આવતી હોય તો સમગ્ર બાંધકામની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ થવી જરૂરી છે. રાજ્યની ટીમ દ્વારા તપાસ કરવા અને જ્યાં સુધી યોગ્ય ટેન્ડર મુજબ કામગીરી ના કરવામાં આવે ત્યાં સુધી નાણા રોકી રાખવા અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
