ડભોઈ તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જૂવાર ન ખરીદાતા ગત શુક્રવારે રાત્રે ભજન કીર્તન કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતી જુવાર ન ખરીદવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ડભોઇ APMCના મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠા છે.
અગાઉ ખેડૂતોએ પોતાની માગ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ સોંપ્યું હતું. એક તરફ્ સરકાર ખેડૂતોના હિતની મોટી-મોટી વાતો કરે છે. જ્યારે બીજી તરફ્ જગતનો તાત પોતાની ઉપજ વેચવા માટે રઝળી રહ્યો છે. લાંબા સમયથી જુવારની ખરીદી ન થવાને કારણે ખેડૂતોની જુવાર બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. જેના લીધે ખેડૂતો ભારે આક્રોશમાં છે. ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. સરકારને જગાડવા માટે ખેડૂતો આગામી દિવસોમાં પણ રોજ અવનવા કાર્યક્રમો કરીને પોતાનો વિરોધ નોંધાવશે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ખેડૂતોની આ મુશ્કેલીનો નિવેડો ક્યારે લાવશે.










