ડભોઇ સ્થિત સેવા સદન કચેરી જ્યાંથી સમગ્ર ડભોઇ તાલુકાની જનતા માટેનો મહત્વનો વહીવટી ચલાવાય છે. તે કચેરીના પ્રાંગણમાં આવેલ બગીચો હાલમાં ઘોર વહીવટી બેદરકારીનું કેન્દ્ર બન્યો છે. સેવા સદનના બગીચામાં લાઈટોના વીજ વાયરોની પેટીઓ (ઈલેક્ટ્રિક બોક્સ) ખુલ્લી હાલતમાં રખડતી જોવા મળે છે. જેના કારણે ચોમાસામાં ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો છે.

ડભોઇ સેવા સદનમાં દરરોજ તાલુકાભરમાંથી હજારો લોકો અલગ-અલગ સરકારી કામકાજ જેવા કે આવકના દાખલા, 7/12 અને 8-અના ઉતારા રેશનકાર્ડ સંબંધિત કામગીરી સ્ટેમ્પ પેપર અને નોટરી કામકાજ અને મહત્વની કચેરીઓ છે. દૂર-દૂરથી આવતા અરજદારો અને તેમના બાળકો કામકાજ દરમિયાન કચેરીના બગીચામાં બેસે છે. પરંતુ બગીચામાં લાઈટની ઈલેક્ટ્રિક પેટીઓ ખુલ્લી હોવાથી અને તેમાંથી વીજ વાયરો બહાર લટકતા હોવાથી જાણે મોતને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. હાલમાં વરસાદના કારણે ખુલ્લી વીજ પેટીઓ અને વાયરોમાં પાણી જવાથી સમગ્ર બગીચામાં અથવા નજીકના લોખંડના થાંભલાઓમાં વીજ કરંટ ઊતરવાની શક્યતા રહે છે. જો કોઈ અજાણતા ખુલ્લા વાયરોને સ્પર્શી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે.