દહેગામ તાલુકાના રખીયાલ પાસે આવેલા ભાદરોડા ચોકડી પાસે એક પીકઅપ ડાલાના ચાલકે રોડ ક્રોસ કરતા એક વૃધ્ધને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃધ્ધનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ડાલાના ચાલક સામે રખીયાલ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભરબજારમાં અકસ્માત થતા ભારે અફરા તફરી મચી ગઇ હતી.
રખિયાલ ખાતે કટલરીની લારી ચલાવતા કરાભાઇ કરસનભાઇ બજાણિયા પોતાના વ્યવસાયે જવા ઘરેથી નીકળ્યા હતા. તેઓ અગિયારેક વાગ્યે ભાદરોડા ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. એક પીકઅપ ડાલા નંબર જીજે.01.એલટી.8326 ના ચાલકે ડાલાને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ચાલતા ચાલતા રોડ ક્રોસ કરવા જતા કારાભાઇને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં કારાભાઇ બજાણીયાને શરીરે તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ અને લોહી નીકળ્યા બાદ બેભાન થઇ ઢળી પડયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટે દહેગામ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ.
