દહેગામનાં લિસ્ટેડ બુટલેગરના ઘરમાથી પોલીસે વિદેશી દારુ તથા બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ 2160 નંગ દારુ તથા બિયરની બોટલ કબજે કરીને ભાવસિંહ ઉર્ફે ભાવલો ઝાલા સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોધ્યો હતો. દહેગામમાં આવેલી જોષીની ખડકીમાં આવેલા બુટલેગરના ઘરના ઉપરના માળે તહેવારોને લઇને દારુનો જથ્થો સ્ટોક કરાયો હોવાની ચર્ચા છે. આખો દીવસ બુ.ટલેગરના ઘરે દારુની તપાસ ચાલી હોવાની વિગતો છે જે બાદ ગણતરીના અંતે મોડી સાંજે ગુનો નોંધાયો હતો. આ વખતે એલસીબીની રેડમાં દહેગામ પોલીસ ઉંગતી ઝડપાઇ ગઇ હતી. આ મામલે મળતી વિગતો મુજબ એલસીબી-1 પીઆઇ ડી.બી.વાળાની સુચનાથી પોલીસ પેટ્રોલીંગ ચાલુ હતુ એ દરમિયાન હે.કો. બેચરભાઇને ખાનગીમા બાતમી મળી હતી કે દહેગામ શહેરમાં આવેલ જોષીની ખડકી વિસ્તારમાં ભાવસિહ ઉર્ફે ભાવલો પ્રહલાદસિંહ ઝાલા (રહે. લીબચફળી) ના માલિકીના કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ છે અને ચોરીછુપીથી વેચાણની પ્રવૃતી કરાય છે. આ હકીકત આધારે એલસીબીએ ઉપરોક્ત મકાનમાં રેડ કરી હતી અને મકાનના ઉપરના પ્રથમમાળે વિદેશી દારુ બીયરની 83 પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા કુલ 2.99 લાખની 2160 બોટલ મળી આવી હતી. બુટલેગર ઘરેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરાર બુટલેગર ભાવસિંહ ઉર્ફે ભાવો પ્રહલાદસિંહ ઝાલા (રહે. લીબચમાતા ફળી, દહેગામ) સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનિય છે કે અવાર નવાર બુટલેગર ભાવસિંહ ઝાલાના કબજામાંથી વિદેશી દારુ ઝડપાઇ ચુક્યો છે અને તેની સામે એકથી વધારે પ્રોહીબીશન સહીતના ગુનાઓ નોંધાયેલા છે. તહેવારોના ટાણે દારુનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે દહેગામ પોલીસ ઉંઘતી ઝડપાતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો