દહેગામ તાલુકાના ચામલામાં જીવતો વીજવાયર પડવાથી સાત વર્ષની દુઝણી ભેંસનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. પશુપાલકના અન્ય ચાર પશુઓનો આબાદ બચાવ થયો હતો. જીવતા વાયરો પડવાથી ભેંસનુ સ્થળ પર જ મોત નિપજ્તા આ મામલે ભેંસનુ પીએમ કરાવ્યા બાદ દહેગામ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. પશુપાલકની દુજણી ભેંસના મોતથી દયનીય સ્થિતી બની હતી.
આ મામલે મળતી વિગતો મુજબ મુકેશસિંહ દિપસિંહ સોલંકી (રહે. ચામલા બસસ્ટેન્ડ પાસે તા. દહેગામ) પશુપાલન કરી ગુજરાન કરે છે અને નાની મોટી પાંચ ભેંસો રાખે છે. બે દિવસ પુર્વે મુકેશસિંહ કામ અર્થે અમદાવાદ ગયા હતા ત્યારે પત્નિએ ફોન કરીને ભેંસને વીજકરંટ લાગ્યો હોવાની જાણ કરી હતી. ભારે વરસાદમાં પશુપાલકના ઘરની પાછળના ભાગે વાડામાંથી પસાર થતી વીજલાઇનના વાયરો ઉપર બાવળનુ એક ઝાડ પડયુ હતુ જેથી વીજવાયરો સીધા જ વાડામાં બાંધેલી સાત વર્ષની દુઝણી ભેંસ પર પડયા હતા અને કરંટ લાગ્યો હતો અને નીચે પડી ગઇ હતી. તેના શિંગડામાં પણ વાયરો ભરાઇ ગયા હતા. કરંટથી સ્થળ પર જ ભેંસ મોતને ભેટી હતી.
