દહેગામ તાલુકાના હરસોલી કેનાલમાં સવારે મગર દેખાતા ગ્રામજનોનો ટોળેટોળા ઉમટી પડયા હતા. પાણી ઉપર તરતો મગર જોઇને સૌ સ્તબ્ધ બની ગયા હતા. આશરે આઠેક ફુટનો મગર પાણી ઉપર તરતો જોવા મળ્યો હતો. કેનાલમાં મગરને લઇને હરસોલી સહીત કેનાલ પર આવતા ગ્રામજનો તેમજ કેનાલના ઘાટ પર આંટાફેરા મારવા આવતા લોકોમાં પણ રીતસર ફફડાટ ફેલાયો છે. કેટલાક લોકો કેનાલના ઢાળમાં કપડા ધોવા તેમજ ન્હાવા માટે ઉતરતા હોવાથી મગરનુ જોખમ ઉભુ થયુ છે. બુધવારે સવારે આઠ વાગ્યાના અરસામાં હરસોલી તોતરાઇ માતાજીના મંદિરિ પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલ ની સાંકળ 212 પાસે પાણીમાં તરતો મગર દેખાયો હતો. કેનાલના ગાર્ડે કાળુસિંહ સવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે મગર દેખાતા ભારે આશ્ચર્ય સર્જાયુ હતુ. મગર ઘણી મીનીટો સુધી પાણી પર તરતો રહ્યો હતો. લોકોના ટોળા ઉમટતા ભારે કોલાહલ વચ્ચે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મગરનો વીડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, જેમાં પાણીમાં આઠેક ફુટનો મગરમચ્છ તરતો દેખાઇ રહ્યો છે. કેનાલમાં મગરના આગમનથી લોકો માટે ભય ઉભો થયો છે. કારણકે ઘણા લોકો કેનાલના ઢાળ પર કપડા ધોવા કે ન્હાવા ઉતરતા હોય છે. સામાન્ય રીતે નર્મદા કેનાલમાં ક્યાંય મગર જોવા મળતા નથી. પરંતુ અહીં હરસોલી કેનાલમાં મગર દેખાતા તંત્ર પણ ચકડોળે ચઢયુ છે. કેનાલમાં મગર આવ્યો કેવી રીતે તેની તપાસ પણ જરુરી બની છે. ફોરેસ્ટ વિભિાગ આ મગરને પકડવામાં કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું. અગાઉ કેનાલમાંથી મૃત મગર મળી આવ્યાની ઘટનાઓ બની ચુકી છે. હાલમાં ગ્રામજનોમાં પણ ભય જોવા મળી રહ્યો હોવાની ચર્ચા છે.
