દહેગામના સાંપા ગામમાં વિફરેલા કપિરાજે ગ્રામજનોને ઘરમાં પુરાવા મજબુર કર્યા હતા અને સતત બે દિવસ સુધી આતંક મચાવીને સાંપાના છ જેટલા રહીશો પર હુમલો કર્યો હતો. હુમલો કરનારા કપિરાજને ફોરેસ્ટ તંત્ર દ્વારા આખરે પકડી લેવામાં આવતા ગ્રામજનોને રાહત થઇ છે. પાંજરે પુરાયેલા કપિ રાજને વનવિભાગની ચાંપલપુર નર્સરી ખાતે ઓબ્જર્વેશનમાં લઇ જવાયો છે અને સતત પાંચ છ દિવસ સુધી તેને ખોરાક પાણી આપીને તેના વર્તન પર નજર રાખવામાં આવશે. વાંદરાના સ્વભાવ અને વર્તન શાંત થઇ ગયા બાદ તેને અન્ય સ્થળે છોડી મુકવામાં આવનાર હોવાની વિગતો છે. સાંપામાં બે દિવસથી પટેલવાસ, ઠાકોરવાસ, વાળંદવાસ અને ઇન્દિરાનગરના વિસ્તારમાં એક વિફરેલા વાંદરાએ તોફાન મચાવ્યુ હતુ અને મહિલાઓ સહીત છ જણા પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. કપિએ પશુઓને પણ ઇજાગ્રસ્ત કર્યા હોવાની વિગતો છે. આ મામલે એક્શનમાં આવેલા દહેગામ ફોરેસ્ટ તંત્ર દ્વારા સાંપામાં આજે સવારે આઠ વાગ્યાથી ધામા નાંખ્યા હતા અને પાંજરા સાથે કપિરાજને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. વન વિભાગે ટ્રેક્ટરમાં પાંજરુ મુક્યુ હતુ અને જે જે સ્થળે વાંદરો જતો ત્યાં તેનો પીછો કરીને પાંજરાને તે સ્થળે વાંરવાર ગોઠવાતુ હતુ. એક બે વાર પાંજરમાં તોફાની વાંદરા સિવાયના અન્ય બે વાંદરા પણ કેચ થઇ ગયા હતા જેમને છોડી દીધા હતા અને વિફરેલા વાંદરા પર નજર રાખવામાં આવી હતી. સવારે આઠ વાગ્યા શરુ કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશ સાંજે ચારેક વાગ્યે પરુ કરાયુ હતુ. સાંજે તોફીન વાંદરો પાંજરામાં આબાદ ઝડપાઇ જતા વનવિભાગે રાહતનો સ્વાસ લીધો હતો. આઠ કલાકની જહેમત બાદ વાંદરો પકડાઇ જતા ગ્રામજનોને પણ શાંતિનો અહેસાસ થયો હતો. પકડાયેલા વાંદરાને દહે ગામ મોડાસા રોડ પર આવેલી વનવિભાગની ચાંપલપુર નર્સરી ખાતે પાંજરા સહીત લઇ જવાયો હતો જ્યા પાચ છ દિવસ દેખરેખ રાખ્યા બાદ તે શાંત થયે અન્ય સ્થળે છોડવામાં આવનાર હોવાનુ ફોરેસ્ટ તંત્રના સુત્રોએ જણાવ્યુ હતુ. રેસ્ક્યુ ઓપરેશનમાં ફોરેસ્ટર વિશાલ ચૌધરી સહીત ચાંપલપુર નર્સરી ની ટીમ જોડાઇ હતી. ઉલ્લેખનિય છે કે દહેગામમાં વાંદરાઓના હુમલાની ઘટનાઓ અવાર નવાર જુદા જુદા ગામોમા બનતી રહી છે જેમાં અગાઉ સલકી ગામમાં પણ વાંદરાના ટોળાએ આંતક મચાવ્યો હતો અને નાના બાળકો અને મહિલાઓ પર હુમલા કરીને ગંભીર ઇજાઓ પહોચાડી હોવાની ઘટના બની ચુકી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો