દહેગામ નગરપાલિકા સંચાલીત ઔડા ગાર્ડન તથા તળાવની જાળવણી કરવામાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. પાલિકાનુ તંત્ર ઉદાસીન બનતા શહેરની શાન સમાન ગાર્ડનમાં લોકો વોકીંગ કરવાનું ટાળવા લાગ્યા છે. તળાવમાં પાણીમાં ગંદકીના થર જામી જતા નાક દબાવીને ચાલવાનો વારો આવ્યો છે. તળાવના પાણીમાં જ શહેરના ગટરોના ભુંગળા નાંખેલા જોવા મળી રહ્યા છે. જેને લઇને તળાવ બારેમાસ પ્લાસ્ટીક સહિતના કચરાથી ભરેલુ જ જોવા મળે છે. સ્ટ્રીટ લાઇટો બંધ થવાની તેમજ કેટલાકી જગ્યાએ સેફ્ટી જાળીમાં ભંગાણ પડયા છે. ગાર્ડનને લઇને શહેરના જાગૃત લોકોમાં રોષ વ્યાપ્યો છે. દહેગામના એકમાત્ર ગાર્ડનમાં શહેરના સ્થાનિક લોકો, સિનિયર સિટીઝન, મહિલાઓ સહિત બાળકો ચાલવા કે કસરત કરવા તેમજ હરવા ફરવા માટે આવતા હોય છે. હાલમાં મળતી વિગતો મુજબ ગાર્ડનમાં નિયમિત સફાઇ થતી નહી હોવાથી ચારેબાજુ કચરો, પ્લાસ્ટીક અને સુકા પાંદડાના ઢગલા થયા છે. તળાવમાં પાણીમાં અતીશય લીલ વળી ગઇ છે અને કચરો જમા થયો છે. જેનાથી દુર્ગંધ ફેલાય છે. આસપાસમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે. ગાર્ડનમાં સ્ટ્રીટ લાઇટો મોટા ભાગે લાંબા સમયથી ડુલ છે. અંધારામાં અસામાજીક તત્વોનો ત્રાસ રહે છે. કેટલાક લોકો શૌચક્રિયા પણ ગાર્ડનમાં કરતા હોવાથી આ પ્રવૃતીઓ સામે પગલા ભરીને ગાર્ડનની શાન જાળવવા જાગૃત નાગરીકો દ્વારા માંગ કરવામાં આવી છે.
