દહેગામની ટીંબાની મુવાડી ગામનો એક આરોપી યુવક દુષ્કર્મ તથા પોક્સોના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી જામીન મેળવ્યા બાદ ચારેક વર્ષથી ફરાર થઇ ગયો હતો. એક પણ મુદતે હાજર ના રહેતો હોવાથી તેની સામે કોર્ટે પકડ વોરંટ જારી કર્યુ હતુ. આ આરોપીને આણંદની વસો કોર્ટે બે ગુના ઓમાં એક -એક વર્ષની સજાપણ ફટકારેલી છે. જે મામલે ફરાર આરોપીને પકડી પાડયો હતો. 

મળતી વિગતો મુજબ દહેગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં આપીસીની કલમ 363, 366, 354 (ડી), 376 (2) એન (3),114 તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના પોક્સો ગુનાના આરોપી કાળાજી અભાજી ચૌહાણ ( ઠાકોર) (રહે. ટીંબાની મુવાડી તાબે.બારીયા તા. દહેગામ) જામીન ઉપર મુક્ત થયા બાદ છેલ્લા ચાર વર્ષથી રેગ્યુલર કોર્ટ મુદતે હાજર થતો ના હોવાથી કોર્ટે પકડ વોરંટ જારી કર્યુ હતુ. 

જે બાદ આરોપી પોલીસથી બચવા માટે વારેઘડીએ પોતાના સરનામાં બદલીને ભાગતો ફરતો હતો. તેમજ આરોપી કાળાજી ચૌહાણને આણંદ જિલ્લા વસો કોર્ટના બે કેસમાં 1-1 વર્ષની સજા પડી હોવાથી પકડવાનો હતો. જે મામલે દહેગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેક્નીકલ અને હ્યુમન એનાલીસીસ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી હાલ મ.નં.203 ઇન્ડિયા કોલોની, હાથીજણ તા. દસક્રોઇ ખાતે રહે છે પરંતુ અંગત કામ અર્થે પોતાના વતનમાં આવવાનો છે. 

આ હકીકત આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન આરોપી કાળાજી ચૌહાણ તેના ઘરે ટીંબાની મુવાડીમાં આવતા કોર્ડન કરીને પોલીસે પકડી પાડયો હતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ કરી હતી. ચાર વર્ષથી જામીન પર નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો