દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલા એક ખેડુતના ખેતરમાં રાત્રે કસાઇઓ દ્વારા કથિત ગૌવંશની કતલ કરાયુ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. ખેડુતના ભાગીયો સવારે ખેતરમાં ગયો ત્યારે ખેતરમાં સવારે ઠેર ઠેર કતલ કરવામાં આવેલા માંસના ટુકડા મળી આવ્યા હતા. જે બાદ ગૌવંશનુ કતલ કરાયુ હોવાની વાત વાયુવેગ પ્રસરી જતા સ્થળ પર ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા. હિન્દુ સંગઠનના સભ્યો પણ દોડી આવ્યા હતા અને મળી આવેલા માંસના અવશેષોની એફએસએલ તપાસની માંગ કરી હતી. જોકે હજી સુધી પોલીસની પ્રાથમિક તપાસમાં કતલ કરાયેલુ ગૌવંશ છે કે નહી તે મામલે કોઇ સ્પસ્ટતા થઇ શકી નથી અને એફએસએલના રીપોર્ટ બાદ ખરી હકીકત સામે આવશે એમ વિગતો છે.

મળતી વિગતો મુજબ લાલજીભાઈ ઉર્ફે રણછોડભાઇ શાહરભાઇ રબારી (રહે. દહેગામ રબારીવાસ) ખેતી કરીને ગુજરાન કરે છે અને દહેગામના લક્ષ્મીપુરા ખાતે સર્વં નંબર 782 અને 783વાળી જમીન આવેલી છે જેને દહેગામના અનુરાધા સોસાયટીમાં રહેતા જગાભાઇ અમીનને વાવણી કરવા માટે આપેલી છે. આજે સવારે જગાભાઇના ભાગીયાએ ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. સવારે સાડા આઠ વાગ્યે ભાગીયા તરીકે કામ કરતા મુકેશ સોલંકીએ જણાવ્યુ હતુ કે ખેતરમાં ઓરડી પાસે માંસના અવશેષો પડયા છે. ઓરડીની આજુબાજુ અવષેશો પડેલા હતા અને આસપાસમાં લોહિના ધાબા હતા અને ખેતરમાં ગાડીના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા. ગાડીથી ખેતરના વાવેતરને પણ નુકસાન થયુ હતુ. ઘટનાની જાણ બાદ લોકોનો ટોળા ઉમટયા હતા અને આકૃત્ય કરનારા કસાઇઓ પર ફીટકાર વરસ્યો હતો. રાત્રે કસાઇઓ દ્વારા ખેતરનો ઉપયોગ કરીને ખેતરમાં ઓરડી પાસે જ કથિત રીતે ગૌવંશનુ કતલ કરવામાં આવ્યુ હોવાનો શક હોવાથી તપાસ કરવા માંગ કરી હતી . ઘટનાની જાણ બાદ દહેગામ પોલીસના બીટ જમાદાર જીનલકુમાર મહંત સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

માંસના અવશેષોને એફએસએલની તપાસ માટે લેવામાં આવ્યા હતા. હાલ પ્રાથમીક તપાસમાં ગૌવંશનુ કતલ કરાયુ હોવાનુ લાગી રહ્યુ છે પરંતુ માંસના ફોરેન્સિક પરીક્ષણના રીપોર્ટ આવ્યા બાદ જ કતલ કરાયેલ પશુ ગૌવંશ છે કે અન્ય કોઇ પશુની હત્યા કરવામાં આવી છે તે સ્પસ્ટ થશે. હાલ આ કૃત્યને અંજામ આપનારા ઇસમો સામે આખાય દહેગામ પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે. સમગ્ર મામલે હિન્દુ સંગઠનના સભ્યોએ તપાસ કરીને દોષિતોને પકડી કડક પગલા ભરવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો