દહેગામથી અમદાવાદ તરફ જતા હાઇવે પર ભર બજારમાં એક યુવકે વહેલી સવારે લોડીંગ ટ્રક નીચે પડતુ મુક્યુ હતુ. ટ્રકના પૈડાં ફરી વળતા યુવકનુ માથુ છુંદાઇ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જાહેર માર્ગ પર બનેલી ઘટનાથી નજરે જોનારા લોકોના કાળજા કંપી ગયા હતા. સવારે રોડ પર ચાલતો જઇ રહેલ એક યુવક અચાનક જ રોડ પરથી પસાર થઇ રહેલી એક કંટેનર ટ્રકના પાછળના પૈડાં નીચે કુદી પડીને આપઘાત કરી લીધો હતો. આ મામલે દહેગામ પોલીસે લાશનો કબજો લઇને ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે પરતું યુવકની ઓળખ હજી સુધી થઇ શકી નથી. જાહેર રોડ પર ટ્રક નીચે કુદીને આપઘાત કરનાર યુવકની ઘટનાને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. યુવકે કેમ આપઘાત કર્યો તેમજ ટ્રકના નીચે જ કુદી પડીને આ કમકમાટીભર્યુ મોત કેમ સ્વીકાર્યુ ? સહીતના અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા હડકંપ મચ્યો છે. સિસિટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યુ હતુ કે સવારના અરસામાં એક યુવક હાઇવે પર ચાલતો જઇ રહ્યો છે. શરુ આતમાં સામાન્ય લાગતો યુવક પાછળ આવી રહેલા એક પીળા રંગના ડંપરને નીહાળે છે, ત્યારબાદ ડમ્પરની પાછળ આવી રહેલા અન્ય એક લોડીંગ કન્ટેઈનર તેની પાસેથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તે યુવક અચાનક જ ટ્રકના પાછળના ભાગે આપઘાત કરવાના મક્કમ ઈરાદા સાથે કૂદી પડે છે.
ક્ષણવારમાં જ ટ્રકના તોતિંગ વ્હીલ યુવકના માથા પર ફરી વળ્યા હતા અને યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. ટ્રક ચાલક પણ રવાના થઇ ગયો હોવાની વિગતો છે. આ ઘટનાએ શહેરીજનોને ધ્રુજાવી દીધા હતા. આ મામલે દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમારે જણાવ્યુ કે મૃતકની ઓળખ થઇ શકી નથી જેથી તપાસ ચાલુ છે. લાશને પીએમ કરાવી કોલ્ડરુમમાં રાખવામાં આવી છે.
