દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં દુધીયાધરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 56 વર્ષીય શિક્ષક ચુલાભાઇ ડામોરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. મળતી વિગતો અનુસાર, શિક્ષકે પોતાના નિવાસસ્થાને હીંચકાના કડા સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આધેડ વયના અને અનુભવી શિક્ષકે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી રહસ્ય જ રહ્યું છે.
શિક્ષણ જગતમાં શોક
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. શાળાના સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ આ સમાચારથી ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે, જેથી આ આપઘાત પાછળના સાચા કારણો પરથી પડદો ઉચકી શકાય.












