ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર એવા ગરબાડા તાલુકાના ગામોનો 3 દિવસીય એટલે કે 72 કલાકનો સઘન પ્રવાસ શરૂ કર્યો છે. રાજ્યના સર્વોચ્ચ વહીવટી પદ પર હોવા છતાં સામાન્ય નાગરિકોની વચ્ચે જઈને તેમની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવેલા આ પ્રવાસના પ્રથમ દિવસે જ એક અત્યંત હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું, જેણે સમગ્ર પંથકના ગ્રામજનોના દિલ જીતી લીધા છે.
સરાબલી ગામના અદના આદિજાતિ પરિવારના આંગણે પધાર્યા 'ભૂપેન્દ્ર દાદા'
પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા તાલુકાના સરાબલી ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ વીઆઈપી પ્રોટોકોલ કે ભવ્ય આયોજનને બદલે એક અદના આદિજાતિ પરિવારના ઘરે બપોરનું ભોજન લેવાનું પસંદ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી જ્યારે કોઈ પણ જાતના આડંબર વિના સીધા જ સામાન્ય ગ્રામીણ પરિવારના આંગણે પહોંચ્યા, ત્યારે પરિવારજનો સહિત સમગ્ર ગામમાં આનંદ અને આશ્ચર્યની લાગણી છવાઈ ગઈ હતી.

જમીન પર બેસી ભોજન લઈ સાદગી અને સહજતાનો આપ્યો પરિચય
ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં 'મૃદુ અને મક્કમ' મુખ્યમંત્રીની છાપ ધરાવવા સાથે પોતાની સરળ અને સાહજિક કાર્યશૈલીને કારણે લોકોમાં 'આપણા ભૂપેન્દ્ર દાદા' તરીકે લોકપ્રિય બન્યા છે. સરાબલી ગામના આદિજાતિ પરિવારના ઘરે તેમણે કોઈ ખુરશી કે ટેબલનો આગ્રહ રાખ્યા વિના પરિવારના સભ્યો સાથે જમીન પર પલાંઠી વાળીને બેસી સાદું દેશી ભોજન આરોગ્યું હતું. તેમની આ નિખાલસતા અને સાદગી જોઈને ઉપસ્થિત ગ્રામજનો પણ ગદગદિત થઈ ગયા હતા.

વડીલોના ખબરઅંતર પૂછી બાળકોના અભ્યાસ અને આજીવિકાની મેળવી વિગતો
ભોજન દરમિયાન મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિકતા પૂરતી મુલાકાત ન રાખતા પરિવારના વડીલો અને બહેનો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમણે પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી, તેમજ ઘરના બાળકોના અભ્યાસ અને પરિવારની રોજગારી તથા આજીવિકાના સાધનો અંગે પણ સ્નેહપૂર્વક પૃચ્છા કરી હતી.
https://www.instagram.com/reel/Df4d8bPFMRB/?utm_source=ig_web_copy_link&avpt=MzRlODBiNWFlZA==
આદિજાતિ સમાજમાં વિશ્વાસ અને પોતીકાપણાની લાગણી વધુ દૃઢ બની
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સંવેદનશીલતા અને ડાઉન-ટુ-અર્થ સ્વભાવે સરાબલી સહિત આસપાસના આદિજાતિ ગ્રામજનોમાં એક નવો વિશ્વાસ જગાવ્યો છે. સરકારના વડા જ્યારે પોતે છેવાડાના માનવીના ઘરે બેસીને તેમનું સુખ-દુઃખ વહેંચે છે, ત્યારે શાસન અને પ્રજા વચ્ચેનું અંતર મટી જાય છે. ગરબાડા પ્રવાસના પ્રથમ દિવસની આ ઘટના સમગ્ર ગુજરાતમાં લોકસેવા અને સાદગીના ઉત્તમ ઉદાહરણ તરીકે ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!