ડભોઇ-થુવાવી રોડ આસપાસના ખેતરોમાં જંગલી ભૂંડોનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદ અને કમોસમી માવઠાના માર બાદ હવે જંગલી ભૂંડો ઊભા પાકનો સોથ વાળી રહ્યાં હોવાથી જગતનો તાત લાચાર બન્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ હવે બજારમાંથી જૂની સાડીઓ ખરીદીને ખેતરની ફરતે બાંધવાનો નવતર અને મજબૂરીભર્યો કીમિયો અપનાવ્યો છે ડભોઇ-થુવાવી રોડ પર ખેતરોમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોના ટોળા ઉતરી આવે છે અને તૈયાર થયેલા ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડે છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ ભૂંડોના ત્રાસના કારણે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. તારની ફેન્સિંગ કે ઝટકા મશીનનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી ખેડૂતોએ એક દેશી જુગાડ અપનાવ્યો છે. ખેડૂતો બજારમાંથી સસ્તા ભાવે જૂની સાડીઓ ખરીદી લાવે છે. અને તેને એકબીજા સાથે બાંધીને ખેતરની ફરતે વાડ બનાવે છે. પવન ફૂંકાય ત્યારે આ સાડીઓ હલે છે. જેના કારણે રાત્રિના અંધારામાં જંગલી ભૂંડોને ખેતરમાં કોઈ માણસ ઊભું હોવાનો ભ્રમ થાય છે. અને તેઓ ડરીને ખેતરમાં ઘૂસતા અટકે છે. એક તરફ્ કુદરતી આફ્તો અને બીજી તરફ્ વન્ય પ્રાણીઓના ત્રાસથી ડભોઇ પંથકના ખેડૂતો આર્થિક સંકડામણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ સાડીની વાડ માત્ર કામચલાઉ ઉપાય છે. વનવિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આ જંગલી ભૂંડોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠી છે.
