?ડભોઇ નગરપાલિકા દ્વારા થોડા જ સમય પહેલાં લાખોના ખર્ચે બનાવેલ સરિતા ઓવરબ્રિજ નીચેથી નડા તરફ્ જવાનો RCCરોડ અત્યંત ટૂંકા ગાળામાં જ બિસ્માર બની જતાં નગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નવો બનેલો આ માર્ગ હાલ તૂટીને બિલકુલ ખરાબ થઈ ગયો છે. રોડ પરથી સિમેન્ટ, રેતી અને કપચી ઉખડીને બહાર નીકળવા લાગ્યા છે. તેમજ ઠેર-ઠેર ખાડા પડયાં છે. રોડ પર વેરાયેલી કપચી અને રેતીને કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોના વાહનોમાં કપચી વાગવાથી વારંવાર પંચર પડવાના બનાવો બને છે. તેમજ વાહન સ્લીપ થઈ જવાનો પણ ભય સતત તોળાઈ રહ્યો છે. ઉપરાંત, ઉખડેલી રેતી-માટીને કારણે દિવસભર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે. જેનાથી રાહદારીઓ અને આસપાસના રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં એવો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે કે આર.સી.સી. રોડ જે વર્ષો સુધી ટકવો જોઈએ, તે જો ગણતરીના સમયમાં જ તૂટી જતો હોય તો કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું સ્પષ્ટ જણાય છે. વધુમાં, જ્યારે નગરપાલિકા દ્વારા આવા વિકાસના કામો ચાલતા હોય ત્યારે જવાબદાર એન્જિનિયર કે ઉચ્ચ અધિકારી સ્થળ પર તપાસ કરવા માટે ફરકતાં પણ નથી. અધિકારીઓની આ બેદરકારીનો સીધો લાભ લઈને કોન્ટ્રાક્ટર પોતાની મનમાની મુજબ નબળું કામ કરી જાય છે. જેનો ભોગ અંતે પ્રજાના પરસેવાના પૈસા અને સામાન્ય જનતાને બનવું પડે છે. જાગૃત નાગરિકોની માંગ છે કે, ડભોઇ નગરપાલિકા દ્વારા આ રોડ માટે કેવા પ્રકારનું ટેન્ડર અપાયું હતું. કેટલું બજેટ ફાળવાયું હતું. અને તેમાં કેવું મટીરીયલ વપરાયું છે. તેની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો નગરપાલિકાના વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના મોટા કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો