દેવગઢબારીઆ શહેરમાં વર્ષોથી યોજાતો પરંપરાગત દશેરાનો મેળો આ વર્ષે જેલની બાજુના મેદાનમાં યોજાનાર છે. જે માટે પાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન પણ શરૂ કરી દેવાયું છે, આજે આ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવી પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.

દેવગઢ બારીઆમાં યોજાનારા ઐતિહાસીક દશેરાના પારંપરિક મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉના સમયમાં ટાવર શેરી તથા શુક્રવારી પ્લોટમાં મેળાનું આયોજન કરાતું હતુ. પરંતુ સ્થાનિક રહીશોને લાંબા સમય સુધી ઘરના આંગણામાં દુકાનો રહેવાથી તકલીફો પડતી હોવાથી તેઓએ નારાજગી દર્શાવી હતી. તથા શુક્રવારી પ્લોટમાં 163 શેડમાં રોજગારી કરતા નાના વેપારીઓને એકથી દોઢ મહીનો ધંધો બંધ રાખવો પડતો હોવાથી ધંધો ગુમાવવો પડતો હતો. જે બાબતોની ચર્ચા કરી પાલિકા ટીમે જેલની બાજુમાં આવેલ મેદાનની સાફ્ સફાઈ કરાવી ત્યાં દશેરાના મેળાનું આયોજન કરેલ છે. જેથી વેપારીઓ ભેગા મળી પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ, સદસ્યો જયેન્દ્રસિંહ રાઉલજી, વિકી બાલવાની, અક્ષય સુથાર, રંજનબેન રાણાનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવીએ વેપારીઓને સાફ સફાઈ રાખવા ખાસ સૂચના આપી હતી. પાલિકા સભ્ય જયેન્દ્રસિંહ રાઉલજીએ વેપારીઓને શહેરના વિકાસ માટે સહકાર આપવા વિનંતી કરી હતી. તેમજ પ્રજાજનોએ વહીવટી તંત્ર સાથે ભેગા મળીને ગામના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.