લીમખેડા તાલુકામાં આવેલા મોટી બાંડીબાર ગામના ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે સોમવતી અમાસે સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઊમટી પડયા હતાં.
લીમખેડા તાલુકામાં આવેલા ઐતિહાસિક તીર્થસ્થળ મોટી બાંડીબાર ગામના ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે શ્રાદ્ધાનો જનસૈલાબ ઉમટી પડયો હતો. પવિત્ર અધિક માસની સોમવતી અમાવાસ્યા નિમિત્તે વહેલી સવારથી જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. શ્રાદ્ધાળુઓએ પ્રથમ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં આસ્થાભેર સ્નાન કર્યું હતું. ત્યારબાદ સંગમ કિનારે બિરાજમાન શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક, દૂધનો અભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ તથા બમ બમ ભોલેના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.










